Monthly Archives: મે 2010

નગર હવેલી ની રોકકળ [ભાગ-૨]

માફ કરશો મિત્રો,

સમયના અભાવે કૈક વધારેજ સમય થઇ ગયો પોસ્ટ મુકવામાં.

આપે નગર હવેલી વિષે નગર હવેલીની રોકકળ [ભાગ-૧]માં સામાન્ય માહિતી જોઈ. જેણે આ વિસ્તાર જોયો છે અને થોડા સમય પણ રોકાયા છે એમને ખબર હશે અહીની પ્રકૃતિ. મસ્ત લીલોતરી, જંગલ, પહાડો, દમણગંગાના બારેમાસ વહેતા રહેતા વહેણ, ખાનવેલ રોડ પર ડીયર પાર્ક અને લાયન સફારી, મધુબન ડેમ, દુધનીનું અફાટ સૌન્દર્ય….. પણ આ બધું ખુબજ સુંદર એટલે લાગે છે કારણ કે એ કુદરતી છે. એની માવજત માટે કુદરતે બનાવેલ કાળા માથાના માણસને આની કાંઈજ પડેલી નથી. અહીના અનુભવોના લીધે હાથ અટકી જાય છે લખતા લખતા. તમને નવાઈ એ જાણી ને લાગશે કે આખી નગર હવેલીમાં એક પણ કાયમી ખેડૂત નથી અને કાયમી ખેડવાલાયક જમીન ક્યાય નથી. અહી જન્મેલા તમામ લોકોને આદિવાસી કહેવડાવવું ગમે છે. ગામના સરપંચોની જીહજૂરી કરવી ગમે છે. કોઈને બોલવાનો અધિકાર નથી. શિક્ષણનું સ્તર જેને સ્તર જ ના કહેવાય એ હદે કથળેલું છે. આઠમા ને નવમા ધોરણમાં ભણતા બાળકો મોઘી બાઈકો લઈને શાળાએ જાય છે ને શાળાના સમય દરમ્યાન રસ્તાઓ પર રખડ્યા કરે છે. આટલીજ ઉમરથી વળી એ છોકરાઓ દારૂની લતે પણ ચઢી જાય છે. ઓછા ટેક્ષ ના કારણે અહી બહોળી સંખ્યામાં કંપનીઓ આવી છે પણ લેબર અને સ્વીપર કરતા મોટા હોદ્દા પર કોઈ જ સ્થાનિક વ્યક્તિ નથી. કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓને છોડી દરેક કંપનીએ હપ્તાખોરીનો ભોગ બનેલી છે. આ હપ્તો સરપંચે નક્કી કરેલા વ્યક્તિઓ ઉઘરાવી લાવે અથવા તો નક્કી કરેક તારીખે નક્કી કરેક વ્યક્તિને ચોક્કસ સ્થળે પહોચાડવામાં આવે. કંપની એનો માલ તો વેચી શકે છે પણ અમુક સ્થાનિક વ્યક્તિઓને પૂછ્યા વગર એનો આડ્માલ [સ્ક્રેપ] નથી વેચી શકતી. વળી કેટલાક સ્થાનિકોએ આવી શરતો સાથે કંપનીઓને પોતાના કારખાના નાખવા માટે વેચાતી જમીન આપી છે અને આ બધાને એમનો અધિકાર બતાવે છે. છેક ઉપર સુધી લીલી નોટોની હવા જતી હોઈ આનો કોઇ પણ સ્તરે વિરોધ થતો નથી.

નગર હવેલીની સૌથી કાળી બાજુ એ છે કે અહીના રાજકારણીઓએ સ્થાનિક લોકો ભણે નહિ એની પુરેપુરી તકેદારી રાખી છે. કારણ કે ભણેલા માણસને કદાચ આજુ બાજુ થઇ રહેલા વિકાસ વિશે મોડી ખબર પડે પણ પોતાની સાથે થઇ રહેલા અન્યાયની તરત ખબર પડી જતી હોય છે. લગભગ એકાદ વર્ષ પહેલા અહીના ખાનવેલ પરીક્ષા કેન્દ્રનું પરિણામ શૂન્ય આવ્યું હતું. શહેરના નામે એકજ સેલવાસ હોવા છતાં સફાઈના જે બણગા હાંકવામાં આવે છે એની સામે પ્રશ્નાર્થ ચિન્હ લાગી જાય એવી સ્વચ્છતા છે. શહેરના એક માત્ર હાઇવે ચાર રસ્તા ઉપર તો સરકારી સફેદ વસ્ત્રોમાં ભ્રષ્ટાચારે જાણે માઝા મૂકી છે. હેલ્મેટ, હેડલાઈટ, સાઈડ લાઈટ, લાયસન્સ ને એવા તો કેટલાય બહાના. મોટા ભાગના માણસો ધંધે કે ઓફીસ જવાનું મોડું થતું હોઈ ૫૦-૧૦૦ રૂપિયામાં તોડ કરી ને આગળ વધી જાય છે. બસ ઉઘાડી લુંટ ચાલે છે.

જેમ પહેલા જણાવ્યું એમ કોઈ કાયમી ખેડૂત નથી અને એટલે ફળો અને શાકભાજી બધુજ મોટાભાગે નાસિકથી આવે છે અને એ પણ કેટલાક ગણ્યા ગાંઠ્યા જથ્થાબંધ વેપારીઓનેજ પરવડતું હોવાના કારણે શાકભાજીના ભાવ લગભગ દરેક વખતે બમણા કે ત્રણ ગણા હોય છે. સરકાર તરફથી બધીજ સગવડો મળેલી હોવા છતાં અણઘડ પ્રશાશનીક વહીવટના લીધે લાઈબ્રેરી, જીમ્નેશીયમ જેવી સેવાઓનો ઉપયોગ ખુબજ નહીવત થઇ રહ્યો છે. મને પોતાને અનુભવ છે. હું સતત ૧૦ દિવસ સુધી રોજ સવારે ૬ થી ૭ ના સમય દરમ્યાન અલગ અલગ સમયે જીમ્નેશીયમમાં નામ નોંધાવવા માટે ગયો પણ એક પણ વખત મને જીમ્નેશીયમના ઇન્ચાર્જ સાહેબ મળ્યા જ નહિ. એની સામે ખાનગી જીમ્નેશીયમ સવારે ૫ વાગ્યા થી જ ચાલુ થઇ જાય છે. ત્યાં ટ્રેનર પણ મળે છે. સારા અને આધુનિક મશીનો પણ છે. આતો મેં જાતે પોતાના માટે અનુભવેલી વાતો લખી પણ એટલાથી જ મારું દિલ એટલું દુખ્યું કે મને અહીના શાશકો અને અધિકારીઓ ઉપર ધ્રુણા થઇ આવી. ખુબ લાંબા સમય પછી હું ફરીથી લખવાનો સમય કાઢી શક્યો એનો અફસોસ છે.

જયારે મેં નગર હવેલી વિશે લખવાનું વિચાર્યું હતું ત્યારે મને દિલ માં ખુબજ આક્રોશ હતો અને દરેક બાબતે ઘણુંજ લખવાનું મન હતું પણ આ દરમ્યાનમાં થયેલા વધારે અનુભવોએ મને એ સત્યથી વાકેફ કરાવ્યો કે જયારે અહી બધાનેજ આ સર્વ સ્વીકૃત છે ત્યારે જ્યાં સુધી અહીનો ધરતીપુત્ર નહિ જાગે ત્યાં સુધી કદાચ નગર હવેલીમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો પણ એ દેખાશે નહિ અને એનો ઉકેલ તો નહીજ આવે.

*** નયનરમ્ય નગર હવેલીની તસ્વીરો મુકવા માટેના સુચનો આવ્યા હતા પણ સમયના અભાવે નથી મૂકી શક્યો. ફરી કોઈક વખત નયનરમ્ય નગર હવેલીના નામે માત્ર નગર હવેલીની તસ્વીરો મુકીશ.

આભાર……

Advertisements