Monthly Archives: જુલાઇ 2010

એક દિવસનો પ્રવાસ

તારીખ ૨૯ મે ૨૦૧૦ સવારે ૭:૩૦ વાગે બાઈક પર બેસતા બેસતા મમ્મી સાથે બે દિવસ પહેલા નક્કી થયેલા પ્રોગ્રામ વિશે વાત કરી અને વલસાડ જવા માટે નીકળ્યો. નેશનલ હાઈવે નમ્બર ૮ ઉપર શનિવારની સવારે સામાન્ય ટ્રાફિક અને મસ્ત આછા વાદળછાયા વાતાવરણમાં ૩૫ મીનીટ જેટલા સમયના ડ્રાઈવિંગ પછી વલસાડ પહોચી ગયો.

૧૦ મહિનાની મારી અખિલભાઈ સુતરીઆ સાથેની ઓળખાણ દરમ્યાન અલગ અલગ સમયે એ મારા ઘરે બે વખત જઈ આવ્યા. એક વખત એમના મમ્મી-પપ્પા સાથે અને એક વખત એમની ગુજરાત માર્ગદર્શન યાત્રા દરમ્યાન. અખિલભાઈ વિશે કહું તો જેટલી વખત ફોન પર વાત થઈ-ચેટિંગમાં વાત થઈ-બ્લોગ વાંચ્યા…..બસ એકદમ એવુંજ વ્યક્તિત્વ, અંગ્રેજીમાં કહીએ તો એમણે જે કામ ઉપાડ્યું છે એકલપંડે એને લીધે હું એમણે One Man Army કહી શકું… આજે સામાન્ય પુસ્તકિયા ભણતર માટે શાળાઓ અને કોલેજો હજારો રૂપિયા અનેક પ્રકારના બહાનાઓ આગળ ધરીને ઉઘરાવી લે છે એવા સમયમાં ખરેખર વિદ્યાર્થીઓને કયા પ્રકારના શિક્ષણની જરૂર છે અને એ ક્યાંથી મળે એ મોટાભાગના સમાજને ખબર નથી ત્યારે અખિલભાઈ એ ગુજરાતના બાળકોને વૈશ્વિક માણસ બનાવવાનું બીડું ઝડપ્યું છે. પ્રેરણાદાયી વિડીયો બતાવી અને તરત એના ઉપર પ્રશ્નોત્તરી કરી એમના સવાલોના એમને સમજાય એવી ભાષામાં જવાબો આપવાના અને સંતુષ્ઠ કરવાના. પોતાની કારકિર્દી દરમ્યાન બચાવેલી આવકના અમુક ટકા રકમ અને બીજા વ્યક્તિગત ડોનેશન માત્ર થી એ આ પ્રવૃત્તિ કરી રહ્યા છે.[આ કોઈ વ્યક્તિભક્તિ નથી… મને એમનું કામ ગમ્યું એટલે એમની સરાહના કરી બાકી તો જેવી દ્રષ્ટી એવી સૃષ્ટી]

છેલ્લા ૧૦ મહિનાથી એ મને વલસાડ બોલાવતા હતા પણ કામની વ્યસ્તતાને લીધે જઈ નહોતો શક્યો.બે જ દિવસ પહેલા એમને પૂછ્યું કે શનિવારે ફ્રી હોવ તો આવું અને એમણે પરમીશન આપી દીધી. બસ… પછી તો જોવાનું શું… સમય છે અને યજમાન છે… રાહ કોની જોવાની….

ઉદ્દેશ માત્ર અખિલભાઈ અને એમના પત્ની તૃપ્તિબેનને મળવાનો હતો પણ મુલાકાત એક યાદગાર પ્રવાસ બની ગયો. થોડી પારિવારિક ચર્ચા પછી એમણે પૂછ્યું કે વિમેશ ઘરેજ બેસવું છે કે ક્યાય ફરવું છે?? આપણે ક્યાં કોઈ પણ વાતે ના હોય છે એ ન્યાયે એમની જેવી ઈચ્છા એવું કીધું. એમણે મને ગુજરાત મેપની[નકશો] બુકમાં બતાવ્યું કે આપણે ક્યાં ક્યાં જઈશું. બધું થઇ ને ચાલીસેક કિલોમીટર નો પ્રવાસ હતો. પ્રવાસના સ્થળોમાં શિવજીનું મંદિર-બરુમાળમાં, પછી ત્યાંથી જમીને આર્ચ નામની એક એનજીઓમાં પછી ધરમપુર સાયન્સ સેન્ટર પછી ફલધરા જલારામ મંદિરને ત્યાંથી પાછા ઘરે. પ્રવાસ દરમ્યાન મારા લેખનથી લઈને એમના માર્ગદર્શન ગુજરાત યાત્રાના અનુભવો સાથે સાથે રસ્તામાં આવતા સ્થળોનું વર્ણન. જેમ કે રસ્તામાં નંદીગ્રામ નામનું બોર્ડ આવ્યુંને એમણે મને કહ્યું કે કુન્દનિકાબેન કાપડિયા [નવલકથા: સાત પગલા આકાશમાં] અહી રહે છે સાથે ઘણી રસપ્રદ વાતો પણ જેમ કે સતત આવતા “પારડી”ના બોર્ડને બતાવી કહ્યું કે અહી પારડીના નામ થી લગભગ અગિયાર જેટલા ગામ છે.

વલસાડની એક દિવસના પ્રવાસ દરમ્યાન થયેલું મંથન : મળવા જેવા માણસોની મારી યાદીમાં અખિલ સુતરીઆ પછી આર્ચ સંસ્થાના સભ્ય એવા ડૉ. જવાહર સાહેબ, જે કદાચ મને મળેલા અત્યાર સુધીના માણસોમાં સૌથી ઉમદા ફોટોગ્રાફર અને ૮૦ કરતા વધુ વર્ષની ઉમરે પણ ૨૫-૨૬ની ઉમરનો તરવરાટ ધરાવતું વ્યક્તિત્વ. ઐતિહાસિક સ્થળોની સરખામણીમાં વલસાડ જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બનાવવામાં આવેલું સાયન્સ સેન્ટર જોવાનો અદભુત લહાવો. એને જોયા પછી દરેક જીલ્લાના સાયન્સ સેન્ટરની મુલાકાત લેવાનું મન થયું છે. ફલધરામાં ચાલી રહેલા દરરોજના મહાપ્રસાદનો લહાવો, અને બરુમાળના અષ્ટધાતુના શિવજીના દર્શન. એક અનુભવ થયો ત્યાં. ત્યાના સત્તાવાળાઓએ એ મંદિરને પોતાની જાતે જ ભારતનું તેરમું જ્યોતિર્લિંગ જાહેર કરી દીધું છે. વળી ત્યાં ફોટો લેવાની મનાઈ છે પણ ઇજ ગર્ભ ગૃહની બહાર જ્યાંથી સામાન્ય રીતે સામાન્ય જનતા દર્શન કરતી હોય છે ત્યાજ બે મોટી ફાંદવાળા સાધુ મહારાજ ઇજ શિવજીના ફોટાઓનું માર્કેટિંગ કરે છે. મે જયારે દર્શન કરતી વખતે ફોટો લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં ઉભા જુવાન સાધુએ મને સીધે સીધું કહી દીધું કે જો હું એકલો હોત તો તમને ફોટો લેવા દેત પણ પેલા સામે બેસેલા બંને આનુ જ ધ્યાન રાખે છે અને એ જોઈ જશે તો મારી નોકરી જશે….

**

માતૃભાષા હોવા છતાં વ્યાકરણ અને વિચારોમાં જ વધારે ચર્ચાઓ થતી રહેતી હોવાને કારણે લખવામાં થોડી તકલીફ પડી રહી છે. કદાચ એના કરતા તમને વાંચવામાં વધારે પડી હશે. માફ કરશો, સુધરી જશે…

 

આભાર…

Advertisements