Category Archives: વિચારોના વલય

મારા મનમાં ઉઠતા વિચારોના વલય અને એના દ્વારા ઉદ્ભવતું કૈક નવું અને લોકોપયોગી સર્જન .

તરસ

 

ઝખમ તો દરિયાનેય ક્યાં નથી થતા

તો શું એ ઘુઘવવાનું બંધ કરે છે???

ધગધગતા તડકામાં ધરતી નખશીખ તપે છે

તો શું સુરજ એને દઝાડવાનું ચુકે છે??

દિનને રાત વરસતા ધરણીધરથી આખુ પંખી જગત ફફડે છે

તો શું એ વરસવાનું વિસરે છે??

પ્રત્યેક ક્ષણ “એની” સાથે હોવા છતાં જરાક દુર જતાંજ હેડકી આવે છે…

શું “” સતત મારા માટે તરસે છે?….

Advertisements

ખામોશી

 ઉફ્ફ હોતા હૈ જબ બયાં કરને કે મોકે પે બહાના બનતા હૈ..
સીસક જાતે હૈ લમ્હે જબ દવા દર્દ બન જાતા હૈ….
યું તો ખામોશ રહેને કે મૌકે બહોત હોતે હૈ….
તકલીફ તો તબ હોતી હૈ જબ બોલને કે મોકે પે મહેબુબ નઝર આ જાતે હૈ…

જમાનો

જમાનો કહે છે કે શું બુરાઈ છે મારામાં

પહેલાંના જમાના કરતાં ઘણો સારો છું…

બસ એક વાત છે,

પહેલાં જમાના પ્રમાણે રહેતાં ના આવડ્યું

અને હવે,

જમાના પ્રમાણે રહેવા કરતાં દોડવું વધારે પડે છે…

[તસવીરઃ]

મહિલા દિવસે મહિલા સ્તુતી-અમારા સાથે તમારી

આજે ભારતીય મહિલા દિવસે હું વિમેશ પંડ્યા મારા જીવન સફરમાં મળેલી અને એ ઉપરાંત તમામ ભારતીય મહિલાઓને સંભારું છું, એમને યાદ કરૂ છું અને શુભેચ્છાઓ પાઠવું છું, એમની સ્તુતિ કરું છું, એમને આ વિશ્વને આટલું ખુબસુરત બનાવવા માટે અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. એક પુરુષ તરીકે સત્ય હકિકત ને સ્વીકારું છું કે “વિશ્વનો કોઈ પણ પુરુષ એના જીવનમાં સ્ત્રી વગર અધુરો છે”…..

મહિલા દિવસે વિશેષ સ્તુતી “મારા સાથે મારી

:: ઈશ્વરીય ::

હર જગા યાદ તમારી હે દેવી હ્રદયેશ્વરી,

અડધે શબ્દે સ્તુતી તમારી બાકી અડધે અમારી

અમે જટાળા જોગી ત્યાં તમે નાજુક પાર્વતી

વિશ્વનિયંતા વિષ્ણુ બનશું આપ સ્વરૂપે મહાલક્ષ્મી

રાસ રમવા કાનજી બનતા છેલ છબીલી રાધડી

શ્રી રામ અમે ત્યારે બનીએ જ્યારે બનો તમે શ્રી જાનકી

નરસિંહ બનતાં પહેલાં સ્મરીએ સદાય તને ઓ દુર્ગા

સપ્તપદીના ફેરા સાથે અન્નપુર્ણાની અનુકંપા…

હર જગા યાદ તમારી હે દેવી હ્રદયેશ્વરી,

અડધે શબ્દે સ્તુતી તમારી બાકી અડધે અમારી

 

:: પ્રકૃતિ ::

સુરજની લાલીમા ત્યાં ચંદ્ર તણી શીતળતા

ઉગ્ર સુરજમુખી સામે રાતરાણીની શાતા

ઉત્તુંગ શિખર હું રાડ પાડું ત્યાં ખીણ ઝીલે છે પડઘા

ઘુઘવતા સાગરના સ્નેહે આપ નિર્મળ સરિતા

રાતા રંગે ગુલાબ બની ગર્વથી મલકાતો

આપ ચમેલી સુગંધ સામે મારો ગર્વ ખંડીત થાતો

ગરમાળો ઉપવન શોભાવે આંગણે તુલસી ક્યારો

બ્રાહ્મણ પીપળા સામે ઝુકે નાગરવેલની ડાળો…

ફાગણ રાજ કેસુડો ખોલે રંગભરી જ્યાં ચાદર

લજામણી ને લજ્જા અપાવે હલકા પવનની થાપટ

:: પ્રાણી ::

ડાક ગજાવે ડાલામથ્થો ફુંફાડે તમે નાગણ

મહેંકતા મોરલીયા સામે કોયલ ગુંજે વન વન

વિશાળ ગજ મસ્તક ઝુકાવે નમણી મૃગલી આગળ

પોપટ મીઠું મીઠું બોલે પેટ પુરાવે આંચળ

ચીત્તો હાક મારી ઝડપતો મોઢે લપાતો કોળીયો

કામધેનુ અમૃતે પલળતો નર આખો જન્મારો

 

:: સંગીત ::

તાન પુરાવે તંબુરો ને લય લહેરાવે બંસી

તબલા તાલે રાગ મિલાવે ખન ખન મધુરી ઝાંઝરી

હૈયે હૈયુ યૌવન નાચે ઢોલ તણા ધબકારે

કોડભરી કન્યા સિધાવે સુર શરણાઈની સાથે…

 

:: શણગાર ::

ગોળ ગજબના અંબોડાની શોભા વધારે બિંદી

કાનનું ઝુમ્મર કામણગારુ જ્યારે નમણી નથણી..

કંઠ શોભાવે હાર હીરાનો

કર આખાના મોઢેં જઈને બાથ ભરાવે વીંટીં

બાજુબંધથી આંગળી ચીધેં મહેંદી ભર્યો કર નમણો..

કોડભર્યા કંદોરા સામે પાયલ નો સુર મીઠો…

 

:: માનવી ::

પ્રાણ પુરીને પંચભુતમાં પેદા કરતી જનની

ભાઈ, વીરાના પ્રેમાળ શબ્દો સદા પાઠવે ભગીની

ઉંમર ઉંબરે પ્રેમ શીખાડે નાજુક ભીની આંખો

બાપુ નાદે લોહી વધારે ઉમ્મીદોની પાંખો

દાદી વહાલનો દરિયો પીરસે મા નીર્મળ છે ઝરણું

પ્રિયતમાના પ્રેમની આગળ જગ આખું છે ફીક્કું

શક્તિ સીંચે દીકરી સાથે ભાભી પીરસે ભાણું

અલ્લડભાવે સ્મિત સંગાથે સાળીનું નજરાણું

ફોઈ સદા સુખી ઈચ્છે માસી હેત પસારે

કાકી કુમકુમ ભાલે કરીને આશીષ વચનો આપે…

 

દેવીઓ, ભુલચુક ક્ષમા-યાચના ચાહું છું. મનના માંડવે આવેલા વીચારોને શબ્દદેહ આપવા પ્રયાસ કર્યો છે બાકી હે ઈશ્વરીય ઉપહાર તણી પ્રેમ અને સૌન્દર્યની જીવંત અને શાસ્ત્રોમાં પ્રકૃતિની ઉપમા પામનાર નારી પાસે યાચના જ હોય.

 

હું વિમેશ અરવિંદભાઈ પંડ્યા, મારી શબ્દસુધાથી ભારતની તમામ નારીઓનું સન્માન કરું છું.

 

[તસવીર સૌજન્યઃLight and Shade ]

ફરિયાદ

તારા તરફ એક ફરિયાદ છે મને

મળવું છે મુશ્કેલ છતાં પળભરમાં ખોવાય છે.

સલ્તનત આ દુનિયાની છે રંગીન

બતાવ્યું એકજ ઈશારાથી તેં,

પ્રયાસ કરું છું જોવાનો પણ

બધે જ તું દેખાય છે.

શું વાંક છે મારો

કે

અવાજ પહેલાં પડઘો સંભળાય છે,

ઝુલ્ફો લહેરાતા પહેલાં એનો

પડછાયો અથડાય છે.

પગરવની ચાહમાં

પગે પથ્થર અથડાય છે,

નિરવતાના રવ માંહી

તારી ચાહત ભટકાય છે.

ઈશારાનો અર્થ ના સમજું એટલો નાદાન તો નથી જ

એ પહેલા શરમનો શેરડો તારા ગાલ પર ગભરાય છે.

 

[તસવીર સૌજન્યઃ ImageHousing.com]

મુગ્ધા

એ અણીયાળી આંખો એ ચિત્ત કર્યો

એ વિખરાયેલી ઝુલ્ફોએ વિચલીત કર્યો

હું માત્ર હું હતો

એણે મુગ્ધતાથી મુર્ત કરી

“હું” માંથી અમે બનવા મજબુર કર્યો.

 

ગુનો કરવાની તો કલ્પના જ નહોતી

નિરખવાનો એક દોષ થઈ ગયો.

મુગ્ધ ઈશારાથી પળભર માટે સંકોચ થઈ ગયો.

 

કાંઈ હું વિચારું વેણી સાથે મારે શું સંબંધ?

વેણી પણ નીકળી “મુગ્ધા” સુવાસે ભ્રમિત કર્યો.


મગરૂર મારી નિષ્ઠાથી હું જાતે જ પરે થયો

લાખ પ્રયાસો છતાં હું જાતે જ બેહોશ થયો.

 

વૈચારિક દશાએ પુછ્યું કે મારી સાથે જ કેમ?

જવાબ શોધવાની ફિરાકમાં હું ખુદને જડી ગયો.

 

[ફોટોઃપ્રાચી દેસાઈ, ફોટો સૌજન્યઃ શ્રી આશીષ સોમપુરા ]

ક્ષણ

ચાહવાની ક્ષણો તો છેતરી ગઈ મને…

હવે તું જ જણાવ…. તને શું ગમશે??

ઉમ્મીદ

બસ હવે જીવવાની ઉમ્મીદ જાગી…..
કદાચ એ તારા આવવાના ભણકારા છે….

હું

સંપુર્ણ સંપર્કથી જીવું છું હજી
કોને ખબર ક્યારે મીણબત્તી થાઉ ??????

યુવાન વિધવા/ત્યક્તા

આટલા આધુનિક અને મહત્તમ વૈજ્ઞાનીક જમાનામાં પણ કુદરતે પોતાની મહત્તા જન્મ અને મૃત્યુના સમય-સ્થળ અને સંજોગોને પોતાની પાસે રાખીને સાચવી રાખી છે જે દુનિયામાં કોઈ સમજી શકયું નથી અને સમજી શકવાનું નથી. આપણે માત્ર આ રહસ્યનો પડદો ઉંચકાયા પછી જે પરિસ્થીતિઓ નિર્માણ પામે છે એને સમય અને સંજોગો પ્રમાણે અનુકુળતાનો વાઘો પહેરાવવો પડે છે.

જીવનમાં ઉંમરનો ૨૨ થી ૪૫ વર્ષનો તબક્કો દરેક માટે કંઈ પણ કરવા માટે સુયોગ્ય તબક્કો છે જે દરમ્યાન એ પોતાની-પોતાના પરિવારની અને નવી પેઢીને માટે એક અલગ જ વિશ્વનું નિર્માણ કરી શકે છે પણ આજ સમયમાં અચાનક ઈશ્વરના કરે ને એવું કાંઈક ઘટે કે માણસ પાંગળો બની જાય અથવા એના આયુષ્યની દોરી પુરી થઈ જાય તો? જ્યાં એક ખુબસુરત લીલી વાડીનું નિર્માણ થવા જોઈતું હતું ત્યાં અચાનક આવેલા વાવાઝોડાની પરિસ્થીતિ ઉભી થાય છે કે નહીં?? કંઈક આવુંજ આપણા સમાજની દીકરીઓ સાથે હજી સુધી થઈ રહ્યું છે. યુવાન આશાઓ અને અપેક્ષાઓથી ભરેલી ઉત્સાહી કોડભરી કન્યા પોતાનું મૈયર છોડીને હસતું મોઢું રાખી ઈશ્વરે અને એના નિમિત્ત બનેલા એના માતા પિતાએ એના માટે નક્કી કરેલા યુવાન સાથે નવી જીંદગી શરૂ કરવા નીકળી તો જાય છે પણ મોટે ભાગે એના ભણતર, બુધ્ધિ અને આંખો ઉપર એક પાટો બાંધીને. એને લગ્ન વખતે મળેલાં ઘરેણાં જીવ કરતાં વધુ સાચવી રાખવાં પડે છે. એ બોલી નથી શકતી પણ હંમેશાં એની આંખની નીચે કાળનો એક આછો ભય સતાવતો હોય છે અને “એ અગર સત્ય થઈ જશે તો…..” ની કલ્પના માત્ર એને રોજ એના પતિના ઘરેથી નીકળ્યા પછી ધ્રુજાવતી રહે છે. યુવાન અને એમાંય સ્ત્રી (હજીય સ્ત્રી-પુરુષ અસમાનતાનાં ધોરણોને કારણે) હોવાને લીધે, હું લખતો નથી પણ એ જેટલી માનસિક, શારીરીક, સામાજીક અને આર્થીક સમસ્યાઓનો સામનો કરે છે અથવા કરી શકે છે અથવા કરી રહી છે અથવા કરવાની એના માથે જવાબદારી હોય છે કદાચ એટલી તો નહી પણ એના ૧૦૦મા ભાગની પણ પુરુષ પાસે ખાલી અપેક્ષા પણ રાખવી વ્યર્થ થઈ જાય છે. એવી દીકરીઓ, બહેનો અરે જવા દો “સ્ત્રીઓ”ને સમાજ પોતાની જવાબદારી, કમનસીબ જેવી ના ગણી એના પુનઃલગ્ન માટે આગળ આવે એ ખુબજ જરૂરી છે. સાથે સાથે એક ખુબ જ સાચી વાત એ પણ છે કે જ્યારે આ દિશામાં પ્રથમ પગલું ભરવાનો પ્રયત્ન પણ થશે અથવા વિચાર પણ કરવામાં આવશે ત્યારે

  • મારા જ ઘરેથી કેમ..?
  • ફલાણા ને ત્યાં પહેલાં જાઓ..
  • મારે ફરી નથી પરણવું / પરણાવવી
  • ભઈ તમને મારું જ ઘર મળ્યું ?
  • અમે ઈજ્જત વેચી નથી ખાધી

એવા તમામ પ્રકારના વિરોધ અને અગવડોનો સામનો કરવો પડશે. પણ જ્યારે ખબર જ છે કે આવું થશે તો એના માટે શું કરવું જોઈએ અથવા શું કરી શકાય જેવા વિકલ્પો વિચારી શકે એવા પ્રબુધ્ધ સભ્યો આપણી પાસે છે જ.

આ સાથે જો યુવાન ત્યક્તાઓ માટે જોઈએ તો….

સમાજમાં જે રીતે છુટાછેડા અને આંતરજ્ઞાતિય લગ્નો વધી રહ્યા છે એજ ગતિથી યુવાન સ્ત્રીઓને લગ્ન પછી ખુબજ ઓછા સમયગાળામાં નગણ્ય કારણોસર અથવાતો બહાનાં હેઠળ ત્યજી દેવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. લાંબા પહોળા સંબંધો ધરાવતા સમાજના દરેક કુટુંબો આવા કોઈને કોઈ કિસ્સા વિશે માહિતગાર છે. આવા કિસ્સાઓને વ્યક્તિગત રીતે ના લેતાં જો સામુહિક રીતે લેવામાં આવે એ ખુબજ જરૂરી છે. ઘણી વખત યુવતીઓએ ત્યક્તા ન બનવા/કહેવડાવવા માટે શારીરીક અથવા માસીક ત્રાસ સતત સહન કરવા પડે છે. શું એ યુવતીએ એની જીંદગી માટે ક્યારેય આવી અપેક્ષા રાખી હશે? આવી પળે એ શું વિચારતી હશે? શું એની સાથે જે કાંઈ પણ ઘટી રહ્યું છે/રહ્યું હોય છે એવામાં સમાજે શું માત્ર ચુપચાપ તમાશો જોઈ રહેવા જોઈએ? આ વિષય પર હું કેટલું લખી શકુ છું એ કદાચ મારી કલમ પણ નથી જાણતી. કદાચ વડીલો વધુ સમજીને આગળ વધે તો કદાચ વધુ સારા પરિણામો આવી શકે છે.

ખાસ નોંધઃ ઉપરના બંને મુદ્દાઓમાંથી એક પણ મુદ્દો યુવાન પુરુષને અસર કરતો નથી.

તસવીર મારી પાસે આવેલા એક મેઈલમાંથી લેવામાં આવી છે…


લગ્ન અને આંતરજ્ઞાતીય લગ્ન

સમાજમાં પરિવારને જણાવ્યા વગર અથવા આંતરજ્ઞાતીય લગ્નોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે.  કારણ કે લગભગ ૧૦૦% શીક્ષીત અને ૮૦% કરતાં વધુ યુવાનોથી છલકાતો સમાજ પોતાનાં બાળકોની ભાવનાઓ નથી સમજી શક્યો.

ખાસ કરીને છોકરીઓ દ્વારા ભરવામાં આવતાં આવાં પગલાં મારી દ્રષ્ટીએ એમના કરતાં એમના પરિવાર અને માતા-પિતાની મોટી ભુલોને કારણે હોય છે. બાળકો પર પ્રભાવ કરતાં દબાણ વધુ હોય છે, સમજાવવાની ઢબ એમને નજીક લાવવાની જગ્યાએ વધુ દુર લઈ જાય એવી હોય છે. ઘરે એમને શું ભણવું છે એના કરતાં એમને ક્યાં લગ્ન કરાવવાની ઇચ્છા છે એની ચર્ચાઓ થતી હોય છે. એમની સામે સમાજને ખુબજ વિચિત્ર રીતે રજુ કરવામાં આવે છે જેને કારણે એમને સમાજ પ્રત્યે ભાવ વધવાની જગ્યાએ સુગ ચડવા માંડે છે.

આ સિવાય જ્યારે છોકરાઓની વાત હોય ત્યારે ખુદ એમનાજ માતા પિતા “હવે સમાજ જેવું છે જ ક્યાં???…બધ્ધાય બહારથી લાવે છે હવે તો… ફલાણાના ઘરે જ જુવોને..” જેવા સંવાદો રજુ કરી જાણે એને સામેથી જ આવું પગલું ભરવા કાં તો ઉશ્કેરે છે અથવા પ્રેરણા આપે છે. આવું કરતી વખતે એ કદાચ એમની જાતને જ ભુલી જતા હોય છે.

આ વિષય ખુબજ સમજદારી પુર્વકનો અભ્યાસ માંગી લે એવો છે. માત્ર જીંદગીનો અનુભવ એકલો જ આવી બાબતોમાં સીધો જ નિર્ણય લઈ લેવા માટે મારી દ્રષ્ટીએ પુરતો નથી પણ જમાના પ્રમાણે પેઢીમાં આવેલાં પરિવર્તનો, શીક્ષણ, સગવડો અને જરૂરીયાતો સમજ્યા બાદ કંઈ પણ સમજાવવા અથવા સમજવા માટે જરૂરી અથવા તો ફરજીયાત છે.

જ્યાં સુધી નવી પેઢી સાથે સંકળાયેલી આવી પાયાની બાબતો અંગે એમને સાથે રાખીને વિચાર વિમર્શ અથવા તો નિર્ણયો સુધી નહીં પહોંચવામાં આવે ત્યાં સુધી કદાચ આવું ચાલતું જ રહેશે અને હા, જો આ બાબતે જલ્દી / યુધ્ધના ધોરણે જો યોગ્ય સમજ સાથે પગલાં લેવામાં નહી આવે તો હજી સુધી સમાજનું જે પ્રકારનું અસ્તીત્વ આપણે જોઈ રહ્યા છીએ એનું આયુષ્ય બહું ઓછા વર્ષો સુધી હશે…

“આ માત્ર મારો પોતાનો મત છે.”

 

 

તસવીર સૌજન્યઃ ક્લીક કરો

અંતરયાત્રા

ડો.કમલેશ જે.ઉપાધ્યાય (ટુંક જ સમયમાં એમના વિશે લખીશ)

અધિક પ્રાધ્યાપક

મેડીસીન વિભાગ

બી.જે.મેડીકલ કોલેજ અને સીવીલ હોસ્પિટલ,અમદાવાદ

ડોક્ટર સાહેબ માંગી રહ્યા છે નીચેની માહીતી………….

બધું લખાય તે નહીં,જે લખાય તે સાચ્ચું લખાય તે અપેક્ષિત છે. નિરાંતે લખવું-પંદર દિવસમાં લખાઈ જાય તે અપેક્ષિત છે. બધા પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે. (તમને યોગ્ય લાગે તેટલા પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવશો તો અંતરયાત્રાના હમસફર બનાવ્યાનો આનંદ થશે.ગોપનીયતા ની ખાતરી.)

૧.શાલેય સંસ્મરણો

૨.સ્નાતક-અનુસ્નાતક સંસ્મરણો-

૩.આપની નિપૂણતા?

૪.એવી અંગત વાત જેના પર તમે ગર્વ લઈ શકો?

૫.સમાજને/રાષ્ટ્ર ને અર્પણ કરી શકાય તેવું તમારું કોઈ જીવનકાર્ય?

૬.આપની ઉજ્જ્વળ કારકિર્દીમાં ક્યાં પરિબળોનો મહત્વનો ફાળો રહ્યો છે?

૭.જીવનને કઈ રીતે મૂલવો છો?

૮.આંખો બંધ કરો ને યાદ કરો તો કઈ  વ્યક્તિઓનું પ્રથમ સ્મરણ થાય છે?

૯.જીંદગીના પાછલા વર્ષો ફરીથી મળે તો કયા વર્ષો ફરીથી જીવવા માગો?

૧૦.આજે જે કંઈ તમારી પાસે છે તે નકારતા જાવ તો કયાં પહોંચવું ગમે?

૧૧.અનુશાસન વિશે આપનો અભિપ્રાય?

૧૨.આપની પ્રગતિમાં “નિષ્ઠા” કામ લાગી છે કે “સામર્થ્ય”?

૧૩.તમારી નબળાઈઓ?

૧૪.કોઈ એક જૂઠું વાક્ય બોલવું ગમશે?

૧૫.સૌથી દુ:ખદ અનુભૂતિ?

૧૬.આંખના ખૂણા કયારે ભીના થઈ જાય છે?

૧૭.તમે કોઈનું શોષણ કર્યું છે?

૧૮.પત્નીનું શોષણ કર્યું છે?

૧૯.તમે ક્રોધી છો?

૨૦.એક નિર્લેપ નિરીક્ષક તરીકે તમારા જીવન ને ક્યાં મુકશો?

૨૧.તમારી સાવ નક્કામી,ફાલતુ વાત કે ટેવ?

૨૨.તમને તમારા દેખાવની  બહુ પડી છે?

૨૩.પરિસ્થિતિ સામે ફરિયાદ રહે છે?

૨૪.ભગવાન પાસે નિયમીત માંગવાની ટેવ ખરી? ક્યારેક માગી લો ખરા?

૨૫.તમારા કોઈ ટીકાકાર?

૨૬.તમને ગમતી વ્યક્તિ? (સ્થાનિક,રાષ્ટ્રીય,આંતરરાષ્ટ્રીય)

૨૭.તમારા મનનો હીરો? (મૂર્તિ/ફોટો ઘરમાં રાખ્યો છે?)

૨૮.વાક્ય પૂરું કરો : મને અફસોસ છે કે………………

૨૯.આપના વિદેશ વસવાટ/પ્રવાસ નો સરસ અનુભવ?

૩૦.તમારું મનગમતું કાર્ય?

૩૧.અધૂરું સ્વપ્ન?ઈચ્છા?

૩૨.ગમતું ભોજન?

૩૩.કસરત કરો છો? નિયમીત?

૩૪.સવારે ક્યારે ઉઠો છો? દિનચર્યાની કોઈ નિયમિત વાત?૨૪ કલાકમાં કયો સમયગાળો વધુ ગમે? એકાંત ગમે? માત્ર જાત સાથે          કેટલી મિનિટ ગાળો છો?

૩૫.તમે આળસુ ખરા?

૩૬.ક્યારે હતાશા અનુભવો છો?

૩૭.ટીવી / પિક્ચર માટે કેટલો સમય ફાળવો છો?

૩૮.વાંચનવિશેષ?- પ્રિય વિષય / લેખક ?

૩૯.સામાજીક / રાષ્ટ્રિય કાર્યોમાં સમય ફાળવો છો ? નિયમીત ? અઠવાડિયે સરેરાશ કેટલા કલાક ?

૪૦.તમારી દૃષ્ટિ એ સાધુતાની વ્યાખ્યા?

૪૧.ઈશ્વર પ્રત્યેનો અભિગમ?

૪૨.તમારી રાષ્ટ્રભક્તિની વ્યાખ્યા શી?

૪૩.લગ્નની શી મજા છે?લગ્નની શી સજા છે?

૪૪.મૃત્યુ વિશે વિચારો છો? શું?

૪૫.જીવન પાસે શી અપેક્ષા છે?

૪૬.કોઈ મોહ જે છૂટતો નથી?

૪૭.બાળકોને પૂરતો સમય આપો છો?આપ્યો છે?

૪૮.જીંદગીમાં દુનિયાની નજરોથી છૂપાવવા જેવું કશુંક છે? (હાડપિંજર)

૪૯.”સફળ” જીવન ગમે કે “સાર્થક”?

૫૦.આપની શાળાનાં બાળકો માટે સંદેશ?

૫૧.વિશેષ નોંધ :

 

 

********
આ પ્રશ્નોના જવાબ આપી શકશો????

૨૬/૧૧- એ કારમી યાદ

આજે ૨૬/૧૧/૨૦૧૦,

વિશ્વના સૌથી મોટા આતંકવાદી હુમલાની બીજી વરસી… 

શું કર્યું…???

કોણે કર્યું…???

કેમ કર્યું…???

કોના કહેવાથી કર્યું…???

બધાજ પ્રશ્નોના જવાબ હજીય….”….” મૌન…..

થોડા હરખાઈ ગ્યા સ્પેશિયલ કોર્ટના ચુકાદાથી…..

ફટાકડા ફોડ્યા…. જુલુસ કાઢ્યા….

બધાજ રાજકારણીઓએ સભાઓ ગજવી….

આતંકવાદ સામેનો ચુકાદો ગણાવ્યો…..

પણ એ ચુકાદા પછી તરત એ વખતના તત્કાલીન ગ્રુહ પ્રધાન શ્રી શ્રી શ્રી પી. ચીદમ્બરમ સાહેબે એને સમજાવી દીધું કે આપણા કાયદા કેટલા પોલા છે અને એ હજી ક્યાં ક્યાંથી નિર્દોષ છુટી શકે છે….

શું ફાયદો થયો એ ચુકાદાનો….????

હજી સુધી તો શહીદોએ પહેરવા પડેલા તકલાદી બખ્તર—કે જેના લીધે એમણે શહીદ થવું પડ્યું— એની તપાસ પણ પુરી નથી થઈ…..

મુંબઈમાં આ ત્રીજા મુખ્યમંત્રી આવ્યા અને દેશનું સુકાન ફરી વખત દેશનાસૌથી શ્રેષ્ઠ અર્થશાસ્ત્રી શ્રી મનમોહન સિંહના ખોળામાં આપવામાં આવ્યું….

શું ફાયદો થયો……???

હજીય પાકિસ્તાન કસાબ ઉપર લગાડવામાં આવેલા ગુનાઓની યાદીજ માંગી રહ્યો છે…

કાશ્મીરનો ચીન બાજુનો ભાગ ચીનને ભેટમાં આપે છે…..

વાટાઘાટોમાં આતંકવાદ વિરોધી છીએ અને ભારત સાથે છીએ એવુ નિવેદન આપે છે….

નક્કર શું…?????

જનતાને મળતી સુવિધાઓ ડંખે છે……

૧,૭૬,૦૦૦ કરોડ (એક લાખ છોંતેર હજાર કરોડ) જેવી માતબર રકમનું પેકેજ જો દેશના કોઈ વિકાસશીલ રાજ્ય પાછળ અથવા પછાત રાજ્ય પાછળ ખર્ચવામાં આવે તો હજીતો ઓબામાએ હાથ પકડીને ભીખ માંગી છે…..ઈંગ્લેન્ડ, ચીન, રશીયા જે પોતાને વિશ્વના તાજ સમજી રહ્યા છે ને એ બધાય પગ પકડીને ભીખ માંગે…..

ભલુ થજો ગુજરાત પોલીસનું કે એણે અક્ષરધામના આતંકવાદીઓને મારી જ નાખ્યા…. અરે એ જ ઉદ્દેશથી યુધ્ધ કર્યું……. જો ત્યાંથીય એકાદ જીવતો પકડાયો હોત તો એ આ નપુંસકોના પાપે આપણા ખર્ચે, આપણી પાસે ચખાવીને જમતો હોત……

આપણે બીમાર પડીએ તો ખિસ્સામાંથી કાઢો અથવા પુર્વ તૈયારી રૂપે મેડીક્લેઈમ કરાવો……

એમની એ ચિંતાય આપણે…

કદાચ આપણેય સાચું માનીએ તોય મારો એક પ્રશ્ન છે કે સાધ્વી પ્રજ્ઞાએ શું ખોટું કર્યું…???

શું ભાયડાઓ તૈયાર નહોતા ત્યારે લક્ષ્મીબાઈએ યુધ્ધની ધુરા નહોતી સંભાળી…???

આજેય સોમનાથમાં વિધર્મીઓ દ્વારા ધ્વંસ કરાયેલા જ્યોતીર્લીંગની સ્થાપના મહારાણી અહલ્યાબાઈએ કરી હતી એ કોઈ ભુલી શકે છે..???

………

મારી આંગળીઓ થર થર કાંપી રહી છે…..

મને એવું લાગી રહ્યું છે કે હું આવું બધુ લખીનેય ધરાતલના શુરવીર શહીદો, વીરો અને વીરાંગનાઓનું સન્માન અને શ્રધ્ધાંજલી નહી પણ અપમાન કરી રહ્યો છું….

મારે હવે થોભી જવું જોઈએ…..

મારી આંખો અને બાજુઓમાંથી રક્તપ્રવાહ થાય એના પહેલાં હું વિરમું છું….

હે શહીદો….. વીરો…. પિતાઓ….. માતાઓ…. ધરતીના લાલ સપુતો….

હું તમને શત શત વંદન કરું છું…….. મારી શબ્દપુષ્પ અંજલી સ્વીકાર કરો…..

તમે ઈશ્વરની સૌથી નજીક છો….

હે પુણ્યશાળી આત્માઓ…..

હવે સહન નથી થતું…..

તમે તો “અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ” કહીને અનંતના પંથે વહી ગયા…

પણ

મા ભારતીની રક્ષા કાજે એમને પેલું “યદા યદા હી ધર્મસ્ય… ગ્લાનિર્ભવતી ભારત…….” વાળૂં વચન યાદ કરાવજો

અને

મા ભારતીના દુશ્મન એવા નપુંસક રાજકારણીઓથી છુટકારો અપાવવા પ્રાર્થના કરજો…..

અસ્તુ…..

ચીટીંગ – એક દગો

એકદમ સામાન્ય ભાષા અને સીધી લાઈનમાં ચીટીંગ નો અર્થ જુઠું અથવા ખોટું થાય છે. આગે સે ચલી આઇ જેવું આ એક એવું લક્ષણ છે જેનો સહારો લગભગ બધાએ kakatraપોત પોતાની જીંદગીમાં ક્યારેક ને ક્યારેક લીધો છે. કેટલીક વખત કરેલા વાયદા પુરા ના થાય ત્યારે એને દગો કહેવામાં આવે છે પણ એ વાયદાના પ્રકાર પ્રમાણે દગાનો પ્રકાર અને મહત્વ નક્કી થાય છે. આપણે અહીં નાના-નાના, નિર્દોષ અને સામાન્ય લાગણીના લીધે બની જતા ઐતેહાસીક ચીટીંગ- દગા-ની વાત કરીશું.

 

આપણે જોઇએ કે ઇશ્વરની શ્રેષ્ઠ કૃતિ એવો માણસ પોતાની જીંદગીમાં તબક્કા પ્રમાણે ક્યાં ક્યાં અને કેવું કેવું સામાન્ય ચીટીંગ કરે છે. નીચેના ઉદાહરણોમાં તબક્કા તમે નક્કી કરજો.

 

ચોકલેટ મેળવવા માટે,મનને ગમી ગયેલું રમકડું મેળવવા માટે, નવાં નવાં કપડાં મેળવવા માટે,શાળામાં ના જવા માટે, ટ્યુશનમાં ના જવા માટે, ફરવા/રમવા જવા માટે,નવી ચંપલ, બુટ અને સ્લેટ મેળવવા માટે,દવા ના ખાવા માટે, બીમાર હોવા છતાં સ્કુલમાં જવા માટે, સ્કુલમાંથી જલ્દી નીકળવા માટે,બાઈક મેળવવા માટે ,ક્રિકેટ રમવા જવા માટે, એક કરતાં વધારે અને નવી નવી ફેશનના કપડાં અને બુટ મેળવવા, મોબાઈલ ફોન મેળવવા, લેપટોપ મેળવવા,આકર્ષક જ્વેલરી મેળવવા, પીકનીક પર ગ્રુપમાં ફરવા જવા, નવી ફિલ્મ કોઇક ખાસ સાથે જોવા જવા,એક્સ્ટ્રા ક્લાસના નામે સમય મેળવી કોઇક ખાસની સાથે જીંદગીના કાલ્પનીક સુખોની ક્ષણીક અનુભુતી મેળવવા માટે, છોકરી જોવા જવાના બહાને લોંગ લીવ મેળવવા માટે, બેંકના કામના બહાને અડધા દિવસની રજા લઈ સાળીને રેલ્વે સ્ટેશન રીસીવ કરવા માટે, સાસુની બિમારીના બહાના હેઠળ સાળાના લગ્નમાં હાજરી આપવા માટે, દુરના કાકા ના અવસાન અને એના કારજ પાણીના નામે પત્ની-બાળકોને ૧૦ દિવસની નૈનીતાલની ટુર પર લઈ જવા માટે, બિઝનેસ ટુરના નામે જુની પ્રેમિકાને મળવા જવા માટે, વાળની સફેદી ના જણાવા દેવા હેરડાઈ લગાવવા માટે, મોર્નીગ વોકના બહાને સવારની પહેલી સિગારેટની આદત છુપાવવા માટે, નાદુરસ્ત તબિયતને તંદુરસ્ત બતાવી દવાના ખાવા માટે, બધું જ દેખાવાનો ડોળ કરી ચશ્મા ના પહેરવા માટે….. [બીજાં તમારા ધ્યાનમાં આવે તો કહેજો]……. કોઇ અંત નથી….. કદાચ આ પણ અધુરું છે અને અધુરું રહેશે.

 

આપણે શરૂઆતમાં જેમ કીધુ એમ સામાન્ય લાગતા પણ ઐતેહાસીક ચીટીંગ તરફ જોઇશું અને એ પણ માત્ર મારી દ્રષ્ટીએ કારણ કે દરેક વિષય પર દરેક વ્યક્તિના અલગ અલગ વિચારો અને વિચારધારા હોઇ શકે છે.

 

મારા મત મુજબ માતૃ-પિતૃ ભકત શ્રવણજીથી આ દુનિયાની શરૂઆત થાય છે. અયોધ્યાપતિ મહારાજા દશરથજીના બાણથી ઘવાઈને શ્રવણજીનું અકાળે અવસાન થાય છે અને આ સમાચાર આપવા માટે જ્યારે પોતે દશરથજી પોતે શ્રવણજીના માતા-પિતા પાસે જાય છે ત્યારે એક માતૃત્વ અને પિતૃત્વની લાગણી પોતાના પનોતા પુત્રના અવસાનના સમાચાર સાંભળીને દુઃખ અને ક્રોધના આવેશમાં હોશ ભુલી રડતાં રડતાં કુદરતની કુદ્રષ્ટીના ભોગ બનેલા પુત્ર વીહીન અવધપતિને પુત્ર વિયોગે મરવાનો શ્રાપ આપી કુદરત સાથે ચીટીંગ કરે છે. કુદરતે નિયત કરેલી અવધપતિ પોતાના મ્રુત્યુંના શ્રાપને લીધે દુઃખી થવાના બદલે પુત્ર સુખના અહોભાગી બને છે.

ત્યાર પછી આખા રામાયણ કાળમાં ક્યાંકને ક્યાંક નાના નાના ચીટીંગ થાય છે. મિથીલા નરેશ મહાયોગી મહારાજા જનક સીતાજીના સ્વયંવરની સાથે સાથે જાનમાં આવેલા ભરતજી અને શત્રુઘ્નજી તથા પ્રભુ રામ સાથે આવેલા લક્ષમણજીના લગ્નનું આયોજન કરી નાખે છે. જ્યારે ઉમરનો વધતો પ્રભાવ દશરથજીને પોતાની ગાદી પોતાના વારસને સોંપવા ઉતાવળા થાય છે ત્યારે ચાર રાણીઓ પૈકી કૈકેયીજી એ પોતાના પુત્રને રાજગાદી અપાવવા માટે પ્રભુ રામની સત્તા સાથે ચીંટીંગ કર્યુ અને રામજીએ ૧૪ વર્ષ વનવાસ ભોગવવો પડ્યો. વનવાસ દરમ્યાન સીતાના અપહરણના ઘડાયેલા ષડયંત્ર પ્રમાણે મહાત્મા રાવણના મામા મારીચ દ્વારા સોનેરી હરણ બનવું અને પ્રભુ રામ જ્યારે એ સોનેરી હરણની પાછળ કુટિયાથી દુર જાય છે ત્યાર પછી સાધુના વેશમાં મહાત્મા રાવણ દ્વારા સીતામૈયાનું અપહરણ. જો સીતાજીએ એક ક્ષણ માટે દિયર લક્ષમણજી દ્વરા ખેંચવામાં આવેલી લક્ષમણ રેખા ઓળંગવાનું ચીટીંગ ના કર્યું હોત તો રામાયણ ના સર્જાયું હોત. યુધ્ધ શરૂ થતા પહેલાં જ પ્રભુ રામના ખેમામાં આવી ગયેલા મહાત્મા વિભિષણે છેક છેલ્લે સુધી મોટાભાઇ રાવણના સુધરવાની રાહ જોઈ અને અંતે કોઇ ફરક ના પડતાં દુર્ગુણ અને દુર્મતિ ગ્રસિત એકહથ્થુ આતંકી સત્તાના વિનાશ માટે રાવણના મૃત્યુંનું રહસ્ય ખોલી મોટાભાઈની જીંદગી સાથે ચીટીંગ. યુધ્ધ જીત્યા પછી સીતામૈયાની અગ્નિપરીક્ષા કરી પ્રભુ રામ દ્વારા સીતામૈયાના ભરોસા સાથે દગો. યુધ્ધમાં જીત્યા પછી જાંબુવંતજી ને કંઈક માગવાનું કહેતાં પ્રભુના હાથે પોતાનું મ્રુત્યું માંગી પ્રભુને બીજી વખત જન્મ લેવા માટે અને એ યુગના સાક્ષી બનવા માટે કુદરત સાથે દગો.

 

એવા યુગની સાક્ષી મહાન હસ્તીઓએ નિયતી સાથે નિયતીની રાહ બદલવા માટે મજબુર કરી દે એવા કરેલા દગા જે દેખવામાં, સાંભળવામાં સામાન્ય અને લાગણીસભર લાગે છે પણ એનું પરિણામ જગતનિયંતાને કયારેક ના કરવાનું કરવા માટે મજબુર કરે છે.

વધુ, થોડા વિરામ પછી….

મન [ભાગ-૨]

મિત્રો મન વિશે વધુ દિલચશ્પ વાતો અને માહિતી લઈને તમારી સમક્ષ ફરીથી હાજર છું. આગળ વાત કરીએ એ પહેલા આપ એક વખત મન [ભાગ-૧] પર ફરીથી આપની એક નજર ફેરવી લેશો.

મિત્રો આપણે જયારે કોઈ પણ બાબત કે વિષય વિશે વાસ્તવિક પગલું ભરવા જતા હોઈએ છીએ ત્યારે આપણે કોઈને કોઈ વ્યક્તિની સલાહ લેતા હોઈએ છીએ, આપણે એવા અનુભવીને શોધતા હોઈએ છીએ કે એના અનુભવથી આપણને ફાયદો થાય. પણ ત્યાર પછી જે થાય છે એ અકલ્પનીય છે પણ આપણે એની તરફ ક્યારેય ધ્યાન નથી આપતા. સલાહ લીધા પછી આપણે જાતે જ એ સલાહ પર ચિંતન કરીએ છીએ. અને એને આપણી જરૂરિયાત પ્રમાણે બદલીને અમલમાં મુકીએ છીએ. હું તમને એ સવાલ પૂછું છું કે “આપણે આપની જાત પર કેમ વિશ્વાસ નથી રાખતા? આપણે આપણા મન પ્રત્યે આટલો ભેદભાવ કેમ રાખીએ છીએ?” એનું કારણ છે કે આપણે એને અનુભવવાનો ક્યારેય પ્રયત્ન જ નથી કર્યો. આપણા મનમાં જે વિચાર આવે છે એને આપણે ક્યારેય અનુસરવાનો,અનુભવવાનો પ્રયત્નજ નથી કર્યો.

આપણે જેને મોટા, અનુભવી અને સફળ વ્યક્તિઓ ને મેં હમેશા બોલતા સાંભળ્યા છે ” Just Be Yourself! ” શું થાય છે એનો મતલબ? કેમ એ લોકો આવું કહેતા હશે? એમનો કહેવાનો મતલબ પણ એજ છે. બસ તમારા પોતાના પર ભરોસો રાખો. એનાથી વિશેષ આ દુનિયામાં તમારા વિશે વિચારવાવાળું કોઈ નથી. જો તમે તમારા મન ઉપર ભરોસો રાખો તો પેલી ઉક્તિ છે ને “Nothing is impossible in the world” એ તમારા માટે પણ સાચી થઇ શકે.

તમે માત્ર નાના નાના કામ કરતા જાઓ ને તમે જુવો કે તમારું મન તમને એનું કેવું ફળ આપે છે. તમે માત્ર તમારા મનની જરૂરિયાતો પૂરી કરતા જાઓ. એની જરૂરિયાત ને સમજતા જાઓ, બસ પછી જુવો ચમત્કાર. મનની સૌથી મોટી જરૂરિયાત, એનો ખોરાક છે વિશ્વાસ, એના ઉપર વિશ્વાસ. તમે તમારા મન પર વિશ્વાસ મૂકી જુવો. અનુભવ કરવા માટે એક ઉદાહરણ, તમે કોઈ એવા કામની શરૂઆત કરો કે જે તમે ખુબ સમય થી કરવા માંગતા હતા પણ તમને એમ લાગતું હતું કે તમે એ નહિ કરી શકો. તમે એ કામ પ્રત્યે તમારી પૂરી નિષ્ઠા થી લાગી જાઓ અને જયારે પણ તમને જરૂર લાગે ત્યારે પહેલા તમારી અંદર ડોકિયું કરીને પૂછો. આવું કેમ થયું? આવું કરવા માટે શું કરવું જોઈએ? બસ એક વખત અંદર થી અવાજ આવે એમ કરો. દુનિયાની ફિકર ના કરો. તમારી જાત ને મહોબ્બત કરો,તમારા કામને પ્યાર કરો, તમારી જાત પર વિશ્વાસ રાખો અને કામ પ્રત્યે નિષ્ઠા, દોસ્તો હું નથી માનતો કે તમને આ દુનિયામાં કોઈ હરાવી શકે. દુનિયામાં તમને હારતા જોઈ તાળી પાડવાવાળાની કમી નથી પણ તમારી સફળતા પછી તમને શાબાશી આપવાવાળાની ખોટ છે. પણ અંગત રીતે હું એવું માનું છું કે કોઈ વ્યક્તિ એકલી શાબાશી મેળવવા માટે તો કંઈજ નથી કરતો તો પછી શાબાશીની અપેક્ષા શા માટે રાખવી? અને હાર મળી છે એમ ત્યાં સુધી ના માનવું જોઈએ જ્યાં સુધી સફળ ના થવાય. જે કામ આપણે હાથ માં લઈએ એ કામ એની મઝિલ સુધી ના પહોચ્યું હોય ત્યાં સુધી એની સફળતા કે નિષ્ફળતા વિશે કઈ રીતે વિચારી શકાય?

મેં એક ખુબજ વાસ્તવિક નોંધ વાંચી હતી એક જગ્યાએ, એના લેખક નું નામ નહોતું લખ્યું. એ નોંધ માં લખ્યું હતું કે ” આ દુનિયામાં દરેક વ્યક્તિ શ્રેષ્ઠ અને વિશેષ છે. દરેકે આ વાત માનવી જોઈએ.”

સંપૂર્ણ….

વિમેશ પંડ્યા
સેલવાસ [પાંડરવાડા]